ગુજરાતની મોદી સરકાર આમ તો શિક્ષણમાં ખાસ કરીને ઉચ્ચ શિક્ષણમાં એડવાન્સમેન્ટ અને ટેકનોલોજી સાથે રાજ્યના વિદ્યાર્થીઓને ખૂબ જ લાભ આપાવની વાતો કરે છે પરંતુ આજ મોદી સરકારે રાજ્યના વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ અપાવવામાં પણ રાજનીતિ દાખવી છે. કેન્દ્ર દ્વારા સ્થાપિત સેન્ટ્રલ યુનિવર્સિટીને ૨૦૦૯માં સ્થાપના થયા બાદ હજુ સુધી કેમ્પસ માટે જમીન ફાળવાઈ નથી. છેલ્લા ૪ વર્ષથી સેન્ટ્રલ યુનિવર્સિટી ગાંધીનગરમાં એક જૂની પ્રાથમિક શાળાના મકાનમાં ચાલી રહી છે. મહત્વનું છે કે અન્ય તમામ રાજ્યોની કેન્દ્રિય યુનિવર્સિટીને પોતાનું કેમ્પસ છે પરંતુ કેન્દ્રિય યુનિવર્સિટી,ગુજરાતને પોતાનું કાયમી કેમ્પસ જ નથી.
માનવ સંસાધન મંત્રાલયની વિચારણા અનુસાર કેન્દ્ર સરકારે ૨૦૦૯માં પાર્લામેન્ટ એક્ટ હેઠળ દેશમાં વિવિધ રાજ્યોમાં સેન્ટ્રલ યુનિવર્સિટી સ્થાપવાની જાહેરાત કરી હતી અને જે અંતર્ગત કેન્દ્ર સરકાર દ્વારા ૨૦૦૯માં દેશના ૧૨ રાજ્યોમાં કેન્દ્રિય યુનિવર્સિટી સ્થપાઈ હતી તેમજ આ યુનિવર્સિટીઓને સેન્ટ્રલ યુનિવર્સિટી એક્ટ ૨૦૦૯ હેઠળ આવરી લેવામા આવી હતી.યુજીસીના નિયમો પ્રમાણે ચાલતી આ તમામ યુનિવર્સિટીઓમાં એમ.એ,એમ.ફીલ અને પીએચડી સહિતના ઈન્ટીગ્રેટેડ અભ્યાસક્રમો ભણાવાય છે. જે ૧૨ રાજ્યોમાં આ ખાસ કેન્દ્રિય યુનિવર્સિટી સ્થાપાઈ છે તેમાં ગુજરાતનો પણ સમાવેશ થાય છે. હાલ દેશના અન્ય તમામ ૧૧ રાજ્યોની આ કેન્દ્રિય યુનિવર્સિટી પાસે પોતાનું કેમ્પસ છે.પરંતુ મોદી સરકારની મહેરબાનીથી ગુજરાતની કેન્દ્રિય યુનિવર્સિટીને હજુ સુધી પોતાનું કાયમી કેમ્પસ કે બિલ્ડીંગ મળ્યું જ નથી.કારણકે ૨૦૦૯માં કેન્દ્રિય યુનિવર્સિટી સ્થાપાયા બાદ છેલ્લા ચાર વર્ષમાં રાજ્યની ભાજપ સરકાર દ્વારા બિલ્ડીંગ બાંધવા માટે જમીન જ ફાળવાઈ નથી.હાલ કેન્દ્રિય યુનિવર્સિટી,ગુજરાત ગાંધીનગર સેકટર ૩૦માં આવેલી એક જૂની પ્રાથમિક શાળાના બિલ્ડીંગમાં ચાલી રહી છે.ઉપરાંત પોતાનું વિશાળ કેમ્પસ અને ઓડિટોરિયમ ન હોવાને લીધે કેન્દ્રિય યુનિવર્સિટી ગુજરાતને પોતાના રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રિય સ્તરના સેમિનારો કે કાર્યક્રમો અન્ય શૈક્ષણિક સંસ્થાઓના કેમ્પસ કરવા પડે છે.
૨૦૦૯માં સ્થાપિત દેશની આ તમામ યુનિ. પાસે પોતાના કેમ્પસ
કેન્દ્રિય યુનિવર્સિટી, હરિયાણા
કેન્દ્રિય યુનિવર્સિટી, હિમાચલપ્રદેશ
કેન્દ્રિય યુનિવર્સટી, કાશ્મિર
કેન્દ્રિય યુનિવર્સિટી,ઝારખંડ
કેન્દ્રિય યુનિવર્સિટી,કર્ણાટક
કેન્દ્રિય યુનિવર્સિટી,કેરાલા
કેન્દ્રિય યુનિવર્સિટી,પંજાબ
કેન્દ્રિય યુનિવર્સિટી, રાજસ્થાન
કેન્દ્રિય યુનિવર્સિટી, તામિલનાડુ
કેન્દ્રિય યુનિવર્સિટી, ઓરિસ્સા
કેન્દ્રિય યુનિવર્સિટી, બિહાર