નેશનલ યુનિ. ઓફ એજ્યુ. પ્લાનિંગ એન્ડ એડમિનિસ્ટ્રેશનનો રિપોર્ટ
ગુજરાતના વિકાસ અંગે મુખ્યપ્રધાન અને ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીની ગુલબાંગો વચ્ચે દેશના તાજેતરના શૈક્ષણિક વિકાસ ઇન્ડેક્સમાં ગુજરાતનો ક્રમ ઘણો પાછળ ધકેલાયો છે. પ્રાથમિક સ્તરના શિક્ષણમાં ગુજરાત ૧૨મા ક્રમેથી ગગડીને ૨૮મા ક્રમે જ્યારે ઉચ્ચતર માધ્યમિક સ્તરે ૮માથી ઘટીને ૧૪મા ક્રમે આવી ગયું છે. આ યાદી બનાવવા માટે ૩૫ રાજ્યોના (કેન્દ્રશાસિત પ્રદેશો સહિત) ૬૬૨ જિલ્લાઓમાંથી શાળાનો અભ્યાસ કરાયો હતો.
ડિસ્ટ્રીક્ટ ઇન્ફોર્મેશન સિસ્ટમ ફોર એજ્યુકેશન (ડીઆઇએસઇ)ના અહેવાલ મુજબ પ્રાથમિક સ્તરના શિક્ષણની ગુણવત્તાની દ્રષ્ટિએ દેશભરમાં ગુજરાતનો ક્રમ ૧૨ના બદલે હવે ૨૮મો થયો છે. જ્યારે ઉચ્ચતર પ્રાથમિક શાળા સ્તરના સંદર્ભે આ આંકડો ૮માંથી ઘટીને ૧૪ થયો છે. આ બન્ને આંકડાના આધારે નક્કી કરાયેલો નવો ક્રમ ૧૮મો છે જે અગાઉ નવમો હતો. યાદીમાં મહારાષ્ટ્ર આઠમા જ્યારે તામિલનાડુ ત્રીજા ક્રમે છે. ૨૦૧૨-૧૩ દરમિયાન અભ્યાસ માટે ૩૫ રાજ્યોના ૬૬૨ જિલ્લાઓની ૧૫ લાખ જેટલી શાળાઓને આવરી લેવાઈ હતી. યાદીમાં કેરળની પણ પડતી થઈ છે તે સાતમા ક્રમેથી ૧૪મા ક્રમે આવી ગયું છે. જ્યારે ઉત્તર પ્રદેશ ૩૨માંથી ૩૪મા અને પશ્ચિમ બંગાળ ૨૯માથી ૩૧મા ક્રમે ગગડયું છે.
રાજધાની નવી દિલ્હીના પણ વખાણ કરવા જેવા નથી તે છઠ્ઠા ક્રમેથી નીચે ઉતરીને ૧૧મા ક્રમે આવી ગયું છે. ડીઆઇએસઇનો અહેવાલ નેશનલ યુનિવર્સિટી ઓફ એજ્યુકેશન પ્લાનિંગ એન્ડ એડમિનિસ્ટ્રેશન (એનઇયુપીએ) દ્વારા તૈયાર કરાયો છે. આ યાદી રાજ્યોએ શિક્ષણક્ષેત્રે મેળવેલી સિદ્ધી રજુ કરે છે. ક્રમ નક્કી કરવા માટે વાર્ષિક ડ્રોપઆઉટનું પ્રમાણ અને પ્રાથમિક શિક્ષણના સ્તર સહિતની બાબતો ધ્યાને લેવાઇ છે.
અહેવાલ મુજબ પીવાના પાણી અને જાજરૃની સુવિધા ધરાવતી શાળાઓની સંખ્યા વધી છે અને સાથે ગયા વર્ષ કરતાં આ વર્ષે શાળાઓમાં પાયાની સુવિધાઓમાં પણ વધારો નોંધાયો છે. યાદીમાં લક્ષદ્વિપ ટોચના ક્રમે છે જ્યારે પુડુચેરી બીજા અને સિક્કિમ ચોથા ક્રમે આવ્યું છે. ઉત્તર-પૂર્વના અન્ય રાજ્યોની સાથે સિક્કિમે ઘણી નોંધપાત્ર પ્રગતિ સાધી છે. ગયા વર્ષે તેનો ક્રમ ૧૨મો હતો જે આ વર્ષે પ્રગતિ સાથે ચોથો થયો છે. મણિપુર ૨૪મા ક્રમેથી નવમા અને મિઝોરમ ૧૯મા ક્રમેથી ૧૦મા ક્રમે આવ્યું છે.